૩ રૂપિયા અને ૪૬ પૈસાની બેન્ક લોન ચુકવવા ખેડૂત ૧૫ કિમી ચાલીને ગયો…!!!!

0
376

બેંગ્લુરુ,તા.૨૭
કર્ણાટકના શિમોગા જિલ્લામાં રહેતો એક ખેડૂત બેન્કની લોન ચુકવવા માટે પોતાના ઘરથી બેન્ક સુધી ૧૫ કિલોમીટર ચાલ્યો હતો અને બેન્કમાં પહોંચ્યા બાદ તેને લોનની બાકી રકમની ખબર પડી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ હતી.
આ વિચિત્ર કિસ્સા અંગે મળતી વિગતો પ્રમાણે શિમોગા જિલ્લાના રહેવાસી આમદે લક્ષ્મીનારાયણ પર નજીકના શહેરની કેનેરા બેન્કની શાખામાંથી ફોન આવ્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, તમારી લોનની બાકી રકમ તરત જ ચુકવી દો. જો કે બેન્કે કેટલાની લોન બાકી છે અને કેટલા સમયમાં ચુકવવાની છે તેની જાણકારી આપી નહોતી.
જંગલ વિસ્તારમાં રહેતો લક્ષ્મીનારાયણ બેંકના આ ફોનથી ગભરાઈ ગયો હતો. તે તરત જ બેન્કમાં જવા માટે નીકળ્યો હતો. જો કે લોકડાઉનના કારણે તેને બસ મળી નહોતી. આમ તે ૧૫ કિલોમીટર ચાલીને બેંક સુધી પહોંચ્યો હતો. બેન્કમાં પૂછપરછ કરી ત્યારે તેને જવાબ મળ્યો હતો કે, લોનની બાકી રકમ ૩ રુપિયા અને ૪૬ પૈસા છે. આ વાત સાંભળીને ખેડૂત હેરાન થઈ ગયો હતો. લક્ષ્મીનારાયણે તરત જ આ રકમ ભરી દીધી હતી.
તેનુ કહેવુ હતુ કે, મેં બેન્કમાંથી ૩૫૦૦૦ની લોન લીધી હતી. ૩૨૦૦૦ રૂપિયા સરકારે માફ કર્યા હતા. એ પછી તાજેતરમાં મેં ૩૦૦૦ રૂપિયાની બાકી રકમ ભરી હતી. એ પછી પણ બેન્કે લોન ક્લીયર કરવા માટે ફોન કરતા હું ગભરાઈ ગયો હતો. ગભરાટમાં જ હું બેન્કમાં જવા નીકળી ગયો હતો.પણ જ્યારે બેન્કમાં બાકી રકમનો આંકડો સાંભળ્યો ત્યારે મને ઝાટકો લાગ્યો હતો.
બીજી તરફ બેન્કનુ કહેવુ છે કે, લોન ક્લીયર કરવાની કામગીરી ચાલી રહી છે અને આ માટે ખેડૂતની સહી જરુરી હોવાથી તેને ફોન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here