કોરોના અટકાવવામાં બેદરકારી બદલ AMC કમિશનર વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

0
403

અમદાવાદ,તા.૧૦
કોરોના મહામારીએ અમદાવાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એવું કહીએ તો નવાઈ નહીં. ૫૦ દિવસમાં સમગ્ર અમદાવાદને દેશનું કોરોના અંગેનું ચર્ચા કેન્દ્ર બનાવી દીધું છે. જ્યારે કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ કોર્પોરેશન કે ગુજરાત સરકાર નહીં કેન્દ્ર સરકાર પણ કામે લાગી છે. આ વચ્ચે એએમસી કમિશનરે ૭ મેંથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત વિરૂદ્ધ અને અધિકારીઓની કોરોના સંક્રમણ અટકાવવાની બેદરકારી અને અણઆવડતના દાવા સાથે એક અરજદારે કમિશનર સહિત અધિકારીઓ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
વિજય નહેરાના નેતૃત્વમાં અમદાવાદ કોર્પોરેશનની કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી નિષ્ફળ રહી એવું માની તેમને કોરોન્ટાઈન કરાયા ત્યારબાદ ગુજરાત સરકારે મુકેશ કુમારને અમદાવાદના નવા કમિશનર બનાવ્યા. જો કે મુકેશ કુમારની સાથે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાં રાજીવ ગુપ્તાને પણ સ્પેશિયલ ડ્યુટીમાં નિરિક્ષક બનાવાયા. આ બંને જવાબદારીમાં આવતાં જ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ. આથી અકળાઈને અમદાવાદના એક અરજદારે તમામ અધિકારીઓની અણઆવડત વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે.
અરજદારે હાઈકોર્ટની પિટિશનમાં ઉલેખ્યું છે કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી છે. અચાનક બહાર પાડવામાં આવેલાં જાહેરનામાથી અફરાતફરી મચી ગઈ હતી. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ હજુ વધવાનો ભય છે. આ ઉપરાંત જો કોરોનાનું સંક્રમણ હજુ વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગેની પિટિશન બાબતે હાઈકોર્ટ આગળ સુનાવણી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here