ગાંધીનગર,તા.૦૫
દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમ જેમ દિવસ વીતી રહ્યા છે, તેમ તેમ શ્રમજીવીઓ માટે કઠીન પરિસ્થતિ નિર્માણ થઇ રહી છે. એક તરફ ધંધા રોજગાર બંધ છે બીજી તરફ પાપી પેટનો સવાલ છે. ગરીબ અને છૂટક મજૂરી કરતા લોકોની સ્થિતિ તો ‘જાયે તો જાયે કહા’ જેવી થઈ ગઈ છે. ત્યારે પેથાપુરમાં રહેતા શ્રમજીવીઓ માટે પરમાર પરીવાર અન્નદાતા બનીને બહાર આવ્યો છે. સાબરમતી નદીના કિનારે શકીના મસ્જિદ ખાતે પેથાપુરમાં રહેતા ગરીબો માટે છેલ્લા ૪૦ દિવસથી ભોજન બનાવવામાં આવી રહયું છે.
ગામના આગેવાન ગાંધીનગર મહાપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફભાઈ પરમારના પરિવાર દ્વારા દરરોજ ૬૦૦ કરતાં વધુ લોકો માટે બે ટાઈમ ભોજન બનાવવામાં આવી રહ્યું છે. જે માત્ર મુસ્લિમ પરિવારોની જ નહીં પરંતુ હિંદુ લોકોના પણ પેટનો ખાડો પૂરી રહ્યા છે. દરરોજ અલગ-અલગ મિષ્ટાન સાથે દાળ ભાત સહિતની વાનગીઓ જોઇએ તેટલી માત્રામાં આપવામાં આવી રહી છે. સોસિયલ ડીસ્ટન્સ માટે ટુ વ્હીલરના ટાયર મૂકવામાં આવ્યા છે. જેની જગ્યા પણ ફિક્સ કરવામાં આવી છે જ્યારે સરકારના તમામ નિયમો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. યુસુફભાઈ પરમારે ૪૦ દિવસથી ચલાવવામાં આવી રહેલા અન્નક્ષેત્રને લઈને કહયું હતું કે, હાલમાં દરેક માનવી મુશ્કેલી અનુભવી રહ્યો છે. પૈસાદાર પણ પરેશાન થઈ ગયો છે. તેવા સમયે ગરીબ લોકોની પડખે ઉભો રહેવાનો મોકો મળ્યો છે. જેને અમે ગામના આગેવાનો સાથે રાખીને અમારી ફરજ સમજી બજાવી રહ્યા છીએ. કોરોના વાઇરસનો કહેર સમગ્ર દુનિયા પર જોવા મળી રહ્યો છે. ત્યારે આ લોકડાઉન ક્યારે ખુલશે ગરીબો ક્યારે રોજગારી મેળવતા થશે, તેનું કોઈ જ નક્કી નથી. જ્યાં સુધી શ્રમજીવી રોજગારી મેળવતા નહીં થાય ત્યાં સુધી સેવાની સરવાણી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here