મુંબઇ,તા.૩૦
બોલિવૂડના અભિનેતા ઋષિ કપૂરનું ગુરુવારે સવારે મુંબઈની એચ એન રિલાયન્સ હૉસ્પિટલમાં નિધન થયું છે. બોલિવૂડના ચાર્મિંગ બોયનું નિધન થતા દેશ તેમજ વિદેશમાં તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. બોલિવૂડના એક્ટર્સ પણ આ દિગ્ગજ કલાકારને પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતા સલમાન ખાને તેમની માફી પણ માંગી છે. છેલ્લા ઘણા સમયથી સલમાન અને ઋષિ કપૂરના સંબંધો વણસ્યા હતા. હવે તેમના નિધન બાદ સલમાન ખાને સદગતની આત્માને શાંતિ પાઠવતા માફી પણ માગી લીધી હતી.
સલમાન ખાને પોતાના ટ્વિટર હેન્ડલથી એક ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, ‘ભગવાન તમારી આત્માને શાંતિ આપે ચિન્ટુ સર, બોલ્યું..ચાલ્યું માફ, પરિવાર તેમજ સ્નેહીજનોને પરમાત્મા શક્તિ આપે.’
સલમાને કઈ બાબતે ઋષિ કપૂરની માફી માંગી છે તે ચર્ચાનો વિષય છે. હકીકતમાં સોનમ કપૂરના લગ્નના રિસેપ્શન વખતે જ તકરાર થઈ હતી. ઋષિ કપૂરે સલમાનના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમાને જઈને કહયું હતું કે સલમાને મને આવકારો પણ આપ્યો નહીં. આ વાત સીમાએ ત્યાં હાજર સલમાન ખાનને કહી હતી. જો કે સલમાન ઋષિ કપૂર સાથે ત્યાં વાત કરવા પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને ઋષિ કપૂર ત્યાંથી જતા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here