ગાંધીનગર,તા.૧૫
વધતાં જતાં કોરોના વાયરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહયું કે, ૩૧ માર્ચ સુધી શાળા અને કોલેજ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. જો કે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં મોલ અને મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગપુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરમાં થૂંકનારને ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ ૧૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ તેઓએ કહયું કે, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગપુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે. ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે લોકોને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા માટે લોકોને સૂચન કર્યું હતું.
આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, કોરોના વાયરસ માટે ૧૦૪ હેલ્પલાઈન કાર્યરત છે અને પરિસ્થતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્ય સવિચ અને આરોગ્ય કમિશનર વચ્ચે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારનાં આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાતનાં ડોક્ટરોએ પણ સરકારનાં આ મહત્વપુર્ણ નિર્ણયને આવકાર્યો હતો. તો ધાર્મિક સંસ્થાનોએ પણ સરકારનાં નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
જો કે, સરકારની આ જાહેરાતથી એક વર્ગ ખુબ જ નિરાશ થયો હતો અને તે હતો ઓફિસમાં કામ કરનાર વર્ગ. તે લોકોએ પણ મનમાં સરકારને વિનંતી કરી કે, ઓફિસો પણ બંધ કરવામાં આવે તેવો કોઈ આદેશ સરકાર કરે. જેને કારણે તેઓને પણ બે અઠવાડિયા સુધી રજા મળી શકે. આવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here