અમદાવાદ,તા.૨૮
કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે ફેસબુક પર મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર રમેશ તડવી સામે તોડબાજી એટલે કે ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં શાહનવાઝ શેખે લખ્યું કે, “મધ્યઝોનનો એસ્ટેટ અધિકારી તડવી તોડબાજ છે. બાંધકામમાં પૈસા ઉઘરાવે છે અને સામાન છોડવા પૈસા માંગે છે એટલે તડવી તોડબાજ છે.” આ પોસ્ટ બાદ વધુ એક પોસ્ટ કરતા શાહનવાઝ શેખે લખ્યું કે, હજરતઅલીનો એક કૌલ છે, “જે કોમ જુલ્મ સામે અવાજ નથી ઉઠાવતી તે કોમ માત્ર લાશો ઉઠાવે છે.”
આ અંગે શાહનવાઝ શેખે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તડવી પર આક્ષેપ કરતા કહયું કે રમેશ તડવી મધ્ય ઝોનમાં પાથરણાવાળા અને લારી ગલ્લા વાળા પાસેથી રૂ.૨૦૦૦થી લઈ રૂ.૧૫૦૦૦ની લાંચ માંગે છે. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના ગોડાઉનમાં અત્યારે પણ કેટલોક સામાન ગાયબ છે આ સામાન ક્યાં છે? તેનો જવાબ આપે. કોર્પોરેટર શાહનવાઝે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પાસે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી તોડબાજ હોવાને લઇ સૂત્રોચ્ચાર કર્યા હતા. બોર્ડ બેઠકમાં જતાં પહેલાં તડવી તોડબાજ હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા.
તો બીજી તરફ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીએ આક્ષેપને લઈને જણાવ્યું હતું કે એસ્ટેટ વિભાગે જપ્ત કરેલા સામાનને છોડી દેવા શાહનવાઝે ભલામણ કરી હતી. ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકાનો જપ્ત કરાયેલો સામાન છોડી દેવા ભલામણ કરી હતી. ભલામણનો અસ્વીકાર કરતા મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here