ડુંગળી, કઠોળ અને તેલ બાદ હવે ખાંડના ભાવ પણ ભડકે બળશે..?

0
405

ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં લંબાયેલા ચોમાસાને પગલે શેરડીને પિલાણમાં મોડું થતાં ખાંડના ઉત્પાદન પર તેની અસર પડી છે. વધુ પ્રમાણમાં વરસાદને કારણે શેરડીના પાકને અસર થતાં રાજ્યમાં ૨૦૧૯-૨૦માં ખાંડનું ઉત્પાદન ૧૫થી૨૦ ટકા જેટલું ઓછું થાય તેવો અંદાજ છે. ગુજરાતની ૧૫ ખાંડ બનાવતી મિલો ૧૫ ડિસેમ્બર સુધીમાં માત્ર ૧.૫૨ લાખ ટન ખાંડ બનાવી શકી હતી. પાછલા વર્ષે આ સમય દરમિયાન તે આંકડો ૩.૧૦ લાખ ટન હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર શેરડીના પિલાણમાં મોડું થવા પાછળનું મુખ્ય કારણ ચોમાસા બાદ પણ થયેલો વરસાદ જવાબદાર છે જેની અસર તેના ઉત્પાદન પર થઈ છે. સામાન્ય રીતે શેરડીનું પિલાણ ઓક્ટોબરમાં શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા તે કામ નવેમ્બરમાં શરૂ થયું. વરસાદના કારણે શેરડીના પિલાણ ઉપરાંત પાકમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ખાંડનું ૧૦.૯૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. જે ૨૦૧૯-૨૦માં ૧૫-૨૦ ટકા જેટલું ઘટીને ૯-૯.૫ લાખ ટન રહેવાનો અંદાજ છે. પાછલા વર્ષે ગુજરાતની મિલોએ ૧૦૦ લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here