નાગરિકતા સંશોધન બિલ દેશની અખંડિતતાને છિન્નભિન્ન કરી નાખશે : સમશાદ ખાન

0
877

અમદાવાદ, તા. ૮
“નાગરિકતા સંશોધન બિલને જાકારો આપીએ, અને બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરીએ” નામથી એક વિરોધ પ્રદર્શનનું કાર્યક્રમ શહેરના સરદાર બાગ લાલદરવાજા ખાતે તારીખ ૯/૧૨/૨૦૧૯ સોમવારે બપોરે ૩.૦૦ કલાકે રાખવામા આવ્યું છે જેમાં અલ્પસંખ્યક અધિકાર મંચ, બુનિયાદ, પરવાઝ, નેશનલ પીસ ગ્રુપ, અનહદ, હમારી આવાજ હમારા અધિકાર, અહેમદાબાદ મુસ્લિમ યુથ, કેમ્પઈન ફોર પીસ એન્ડ જસ્ટિસ (CPJ), SDPI, વેલ્ફેર પાર્ટી ઓફ ઈન્ડિયા, APCR અને અન્ય સંગઠનો અને વ્યક્તિઓ ભાગ લેશે.
અલ્પસંખ્યક અધિકાર મંચના સમશાદ ખાન પઠાણ જણાવે છે કે, ભારતદેશનું સંવિધાન બિનસાંપ્રદાયિક લોકશાહી, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, વ્યક્તિનું ગૌરવ તથા રાષ્ટ્રની એકતાના મુલ્યો આધારિત ઘડવામાં આવેલ છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારે નાગરિકતા સંશોધન બીલ લાવવામાં આવી રહ્યો છે તે આપણા દેશના બંધારણીય મુલ્યોની વિપરીત ધર્મના આધારે વિભાજનકારી રીતે બનાવવામાં આવી રહ્યો છે જે દેશની અખંડીતતા અને ભાઈચારાને નુકસાન પહોંચાડે તેમ છે જેથી આ કાળા કાયદાનો વિરોધ કરવો એ એક ભારતીય તરીકે અનિવાર્ય છે.
આપણે આઝાદી પછી એ તરફ આગળ વધેલા કે જ્યાં નાગરિકતા માટે ધર્મ અને જાતિના આધારે ભેદભાવ ના થાય. પરંતુ આપણે ત્યાં પહોંચી રહ્યાં છીએ કે જ્યાં ધર્મના આધારે નાગરિકતા નક્કી થશે. હવે જ્યારે દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ જોઈએ તો પૂછવાનું મન થાય છે કે શું આ ધર્મના આધારે નાગરિકતા નક્કી કરતી વખતે એ પીડિતાઓનું નામ હશે કે કેમ?
એ પણ સવાલ થાય છે કે ભારતની બહાર બેઠેલાં નોન રેસિડન્ટ ઇન્ડિયન (NRI) કે જેમને કોઈપણ જાતનાં ભેદભાવ વગર બીજા દેશની નાગરિકતા લીધેલ છે. તે દેશની સારી વ્યવસ્થાનો લાભ ઉઠાવી એ દેશો માટે અને ભારત માટે ગર્વ લેવાની પળો ઉભી કરે છે. ભારતમાં જે રીતે નાગરિકતાનાં નામે ધ્રુણા ફેલાવવામાં આવી રહી છે. શું આ પ્રકારના બિલના સમર્થનમાં ન્યૂઝીલેન્ડ, મલેશિયા, અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશની નાગરિકતા લઈ લેવા વાળા ભારતીયો સમર્થન કરશે ? અહીં આપણે આસામની વાત કરવાની જરૂર છે કે જ્યાં ભારત સરકાર દ્વારા NRC લાગુ કરવામાં આવેલું આસામ કે જેની વસ્તી ૩.૫ કરોડ છે અને ત્યાં સરકારે NRC માટે ૧૬૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખેલ છે. તો વિચારી લો જ્યારે આખા ભારતમાં આ કાર્ય થશે ત્યારે કેટલા રૂપિયાની જરૂર પડશે ? અને જેમ નોટ બંધી વખતે આખો દેશ બધું જ કામ છોડીને લાઈનમાં ઊભો હતો આ વખતે પણ બધું જ કામ છોડીને લાઈનમાં ઉભો રહેશે ? તેમજ લાંચ-રુશ્વત આપી પોતાના કાગળો બનાવશે?
NRCની સાથે આ વિવાદમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે જેને આપણે “નાગરિકતા સંશોધન બિલ” તરીકે જાણીએ છીએ જે કદાચ આ સોમવારે આપણા દેશની સંસદમાં રજૂ થઇ શકે છે. આ બિલ વિશે દેશના ગૃહપ્રધાન અમિતશાહ વારે ઘડીએ કહી ચૂક્યા છે કે “દરેક ઘૂસણખોરને બહાર કાઢવામાં આવશે” પરંતુ જે લોકોને અમિતશાહ ઘૂસણખોર કહી રહ્યાં છે એ લોકો ક્યાંથી આવેલા છે ? અને તેઓ કોઈ બીજા દેશમાંથી આવેલ હોય તો તે દેશ સાથે કોઈ વાતચીત કરેલ છે કે કેમ ? આસામમાં લોકો બાંગ્લાદેશથી આવેલા છે એવું પ્રચાર કરવામાં આવેલો. તો શું બાંગ્લાદેશ સાથે વાત કરેલ છે? પરંતુ અહીં તો હકીકત તદ્દન વિપરીત છે. ભારતીય પ્રધાનમંત્રી જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બાંગ્લાદેશી પ્રધાનમંત્રી શેખ હસીનાને મળેલા તો તેમણે તેઓને આશ્વત કરેલા કે ભારતમાં થઈ રહેલી NRCની પ્રક્રિયાથી બાંગ્લાદેશ ઉપર કોઇ અસર નહીં પડે. જ્યારે શેખ હસીના ભારત આવ્યા ત્યારે એમને એવું જણાવવામાં આવ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે તો પછી ‘ભારતમાં રહેતા લોકોને ભારત બહાર કાઢીશું’ એ ક્યા આધારે કહેવામાં આવી રહ્યું છે? હાલના તબક્કે જ સેનાના એક પૂર્વઅધિકારીને બાંગ્લાદેશી બતાવીને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરવામાં આવેલા જો આવી કોઈ ભૂલ થઈ તો તેના માટે કોણ જવાબદાર હશે? ગઈ વખતે રાજ્ય સભાનો સમય પૂરો થઈ જવા દેવામાં આવેલો અને સિટિઝનશિપ અમેનડમેન્ટ બિલને પાસ કરાવવામાં આવેલ નહીં. કારણ કે પૂર્વોત્તર રાજ્યોમાં આને લઈને ખૂબ વિરોધ હતો.
નાગરિકતા સંશોધન બિલને તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દીધેલ છે. આ બિલ કેવો હશે તે અંગે અત્યાર સુધી કોઈપણ વિગતો સાર્વજનિક થયેલ નથી પરંતુ જે જૂનો બિલ છે તેના પ્રમાણે જો કોઈ શરણાર્થી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હશે અને તે હિન્દુ, ઈસાઈ, જૈન, શીખ, પારસી, અને બૌદ્ધ હશે તો આ બધાજ સમુદાયનાં લોકો જે ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલા ભારતમાં આવ્યા હશે તો તેમને ભારતની નાગરિકતા મળી જશે. આ બિલ પૂર્વોત્તરના જનજાતિ વિસ્તારમાં લાગુ નહીં થાય મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં આ કાયદો લાગુ નહીં થાય.
વધુમાં સમશાદ ખાન પઠાણ જણાવે છે કે, આપણા ગૃહપ્રધાન વારંવાર હિંદુ, ઈસાઈ, જૈન, શીખ, પારસી અને બૌદ્ધનું નામ લે છે જેમાં મુસલમાન નથી. તો શું આ ધર્મના આધારે ભેદભાવ કરતું નથી? આ કેવી આપણી શરણાર્થી પોલિસી છે જે ધર્મના આધારે બની રહી છે. ગૃહપ્રધાન કેમ એક ધર્મનું નામ નથી લેતા? આપણે જોઈ લીધું છે કે આસામ NRCને લઈને કેટલા સવાલો ઉભા થયા છે. ૧૯ લાખ લોકો ફાઇનલ લિસ્ટમાં બહાર થયેલા છે. એક રિપોર્ટ મુજબ એ લિસ્ટમાં ૧૪ લાખથી વધારે લોકો હિન્દૂ સમાજના છે અને ૫ લાખ મુસ્લીમ સમાજના છે અને આ આંકડા આવતા જ ભાજપાના જ નેતાઓ ફરીથી NRCની પ્રક્રિયા કરવાની માંગ કરી રહ્યાં છે. કેમ કે લિસ્ટમાં મુસ્લિમો કરતા હિન્દૂ સમાજના લોકો વધારે આવી ગયા છે. પરંતુ નાગરિકતા સંશોધન બિલથી એ લોકોને નાગરિકતા મળી જશે. તો પછી એ સવાલ ઉભો થાય છે કે
• શું ધર્મના આધારે નાગરિકતા આપીને દેશમા ભાગલા પાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે?
• શું હવે ઘૂસણખોરને પણ ધર્મના ચશ્માંથી જોવામાં આવશે?
• શું હવેથી કોઈ નવા દેશની સીમા રેખા નવેસરથી દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
• આ પ્રક્રિયાઓ આપણા દેશની એકતા માટે, સંવિધાન માટે ખૂબ ખતરનાક સાબિત થશે. જેના માટે તેનો ભરપૂર વિરોધ કરી તેને અટકાવવું જરૂરી છે. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આખા દેશમાં દેખાવો થઇ રહ્યાં છે ત્યારે ગુજરાતની જનતા તરીકે આપણી પણ જવાબદારી છે કે ફરીથી દેશને ભાગલાવાદી વિચારવાળા લોકોની વિરોધ ઉભા થઈએ અને આ બિલનું જબરદસ્ત વિરોધ કરીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here