અઝીમ પ્રેમજી એશિયાના સૌથી ઉદાર સમાજસેવી : ૫૨૭૫૦ કરોડ રૂપિયાના શેર દાન કર્યા

0
453

ન્યુ દિલ્હી,તા.૫
પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને વિપ્રોના ફાઉન્ડર-ચેરમેન અઝીમ પ્રેમજી(૭૪)ને એશિયાના સૌથી ઉદાર સમાજસેવી જાહેર કર્યા છે. પ્રેમજીએ આ વર્ષે ૭૬૦ કરોડ ડોલર(૫૨,૭૫૦ કરોડ રૂપિયા)ની વેલ્યુના વિપ્રોના શેર દાન કર્યા. તે અત્યાર સુધી ૨,૧૦૦ કરોડ ડોલર(૧.૪૫ લાખ કરોડ)ની વેલ્યુના શેર સમાજ સેવાના કામો માટે આપી ચૂક્યા છે. ફોર્બ્સે બુધવારે એશિયા-પેસેફિકના ૩૦ સૌથી મોટા પરોપકારીઓનું લિસ્ટ બહાર પાડયુ. તેમાં અજીમ પ્રેમજી સિવાય ભારતના અતુલ નિસાર અને કિરણ મજૂમદાર શો પણ સામેલ છે.
ફોર્બ્સે એવા અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટિઝને લિસ્ટમાં સામેલ કર્યા, જે એશિયા-પેસેફિક ક્ષેત્રની પ્રમુખ સમસ્યાઓના સમાધાનની દિશામાં સતત કામ કરી રહ્યાં છે. પ્રેમજી ૩૦ જુલાઈએ વિપ્રોના ચેરમેન પદેથી રિટાયર્ડ થઈ ગયા. તેમનું અઝીમ પ્રેમઝી ફાઉન્ડેશન શિક્ષણ સાથે જોડાયેલું છે. ૧૯ વર્ષ જૂની આ સંસ્થા સમગ્ર દેશની ૨ લાખ સ્કૂલોની સાથે મળીને શિક્ષણને વધુ સારું બનાવવાનું કામ કરે છે.
હેક્સાવેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને ચેરમેન નિસારે આ વર્ષે ૧૫ લાખ ડોલર(૧૦.૫ કરોડ રૂપિયા)ની રકમનું દાન કર્યું. તેમણે આ રકમ મુંબઈની પાસે આવેલી ગર્લ્સ સ્કૂલ અવસર એકેડેમીને આપી. આ એકેડેમી સુવિધાઓથી વંચિત છોકરીઓને નિ:શુલ્ક શિક્ષણ આપે છે. બાયકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શો અને પતિ જોન શોએ યુકેની ગ્લાસગો યુનિવર્સિટી માટે જુલાઈમાં ૭૫ લાખ ડોલર(૫૨.૫ કરોડ રૂપિયા) આપ્યા હતા. શો પોતે પણ ગ્લાસગો યુનિવર્સિટીમાં ભણ્યા છે. લિસ્ટમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૈક માનું પણ નામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here