અમદાવાદ, તા. 21
ગુજરાતમાં નશાબંધી હોવા છતાં રાજ્યનો કોઈ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં દારૂ મળતો ન હોય. રાજ્ય સરકારે નશાબંધી ભંગના કાયદા બનાવ્યા હોવા છતાં આ ધંધામાં એટલી કમાણી છે કે આ ધંધો બંધ કરવો કે કરાવવો અશક્ય છે. બીજી તરફ મોટા શહેરોમાં યુવા પેઢી તથા કિશોરાવસ્થામાં પ્રવેશેલા ટીનેજરોને ડ્રગ્સના રવાડે ચઢાવી અસમાજિક તત્વો કરોડો-અરબો રૂપિયા કમાઈ રહ્યા છે. ડ્રગ્સના કાયદા નશાબંધી (દારૂ)ના કાયદા કરતાં વધુ કડક હોવા છતાં કડવી વાસ્તવિક્તા એ છે કે પોલીસ ડ્રગ્સના દૂષણ સામે સતત આંખ આડા કાન કરી રહી છે.
કોંગ્રેસનાં અ.મ્યુ.કોર્પોરેટર શ્રી શાહનવાજ શેખ દ્વારા આજથી શરૂ થયેલ “સિટી બજાઓ અવાજ ઉઠાઓ” નશામુક્ત અમદાવાદ અભિયાન નશાના દૂષણને ડામવાની દિશામાં સીમાચિહન બની રહેશે એવી આશા અને અપેક્ષા અસ્થાને નથી. “સિટી બજાઓ અવાજ ઉઠાઓ” આ સૂત્ર નશામુક્તિની દીશામાં એલાર્મ વગાડનાર બની રહેશે. સમાજના દરેક વર્ગ, ધર્મ, જાતિના લોકોએ આ અભિયાનમાં જોડાવવા આગળ આવવું પડશે તો જ ઘર, પરિવાર અને સમાજને છિન્નભિન્ન કરી નાખનાર આવા દૂષણ દૂર થશે.
આ અભિયાનની શરૂઆત કારંજ પોલીસ સ્ટેશનથી કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટર શાહનવાજ શેખ, સામાજિક કાર્યકર્તા અને કારંજ વિસ્તારના આગેવાનોએ પી.આઈ. શ્રી એફ.એમ. નાયબને આવેદન પત્ર આપ્યું હતું. અ.મ્યુ.કોર્પોરેટર શ્રી શાહનવાજ શેખે જણાવ્યુ હતું કે, “આ અભિયાન દ્વારા અમે શહેરના દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરીશું કે નશાના કારોબારીઓ ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને અમદાવાદને “નશામુક્ત અમદાવાદ” બનાવવામાં આવે”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here