અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરની ગોમતીપુર પોલીસ, સામાજિક કાર્યકરો અને પ્રજા દ્વારા શરૂ કરાયેલી વ્યસનમુક્તિ ઝુંબેશને લીધે ઘણા લોકો વ્યસન મુક્ત થયા છે. જ્યારે હજુ ઘણા લોકો વ્યસન મુક્ત થવા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. ગોમતીપુરમાં પોલીસ, પ્રજા અને સામાજિક કાર્યકરો દ્વારા શરૂ થયેલી વ્યસનમુક્તિ ઝુંબેશને એક વર્ષની સફળતા જોતા હવે શહેરના ઝોન-૫ના આઠ પોલીસ સ્ટેશનમાં વ્યસનમુક્તિ ઝુંબેશ શરૂ કરાશે. જેમાં વ્યસનમુક્ત થવા માગતા લોકો પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવશે. ત્યાર બાદ વ્યસન મુક્તિની ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનારને નશામુક્તિ કેન્દ્રમાં મોકલવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. તેની સાથે સાથે પોલીસ એફઆઈઆર નોંધવાની સાથે સાથે હવે વ્યસનમુક્ત થવા માગતા લોકોનું રજિસ્ટ્રેશન પણ કરશે. આ ઉપરાંત વ્યસનમુક્ત થવા માગતા લોકો માટે એક અલગથી કોલ સેન્ટર પણ શરૂ કરવાની વિચારણા છે.
અમદાવાદ શહેરના ઝોન-૫ના ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, ખોખરા અને રામોલ મળીને કુલ ૮ પોલીસ સ્ટેશનોમાં વ્યસનમુક્તિ ઝુંબેશ શરૂ કરવા જણાવ્યું છે. આ ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે ઇન્સ્ટીટયુટ ફોર સ્ટડીઝ એન્ડ ટ્રાન્સફોર્મેશન અને હાઈ ઓન લાઈફ સંસ્થા અને સ્થાનિક પ્રજા મળીને વ્યસનમુકિત ઝુંબેશ ચલાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here