ચુરૂ,તા.૩
જ્યારે કોઈ વ્યક્તિ બદલાવ લાવવાનું વિચારે છે ત્યારે નસીબ અને ભગવાન બંને સાથ આપે છે. આવું જ કઈંક કરી બતાવ્યું છે રાજસ્થાનના આ પોલીસવાળાએ. એક અહેવાલ મુજબ ચૂરુના એક પોલીસકર્મી ધર્મવીર ઝખરે ગરીબ અને બેસહારા બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેથી કરીને બાળકોએ ભીખ ન માંગવી પડે અને તેઓ ભણી શકે.
ધર્મવીરે વર્ષ ૨૦૧૬માં શાળા શરૂ કરી. પોતાના પોલીસ સ્ટેશનની બહાર તે અનેક બાળકોને ભીખ માંગતા જોતો હતો અને તેમની સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે અનેક બાળકોના તો માતા પિતા પણ ન હતાં. ત્યારબાદ તે તેમની સાથે તેઓ જ્યાં રહેતા હતા તે ઝૂંપડીઓમાં ગયો અને તેમના જીવનની કપરી વાસ્તવિકતા જાણી.
ધર્મવીરે આ બાળકોનું જીવન સવારવાનું વિચાર્યું અને તેમનું શાળામાં એડમિશન કરાવ્યું. આ શાળાનું નામ અપની પાઠશાળા છે. જ્યાં હાલ ૪૫૦ બાળકો ભણે છે. આ બાળકો માટે પિક એન્ડ ડ્રોપ સર્વિસ માટે વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના કપડાં, જૂતા, ભોજન અને અભ્યાસની સામગ્રી પણ મફતમાં અપાઈ છે.
ધર્મવીરે કહયું કે અનેક પરિવારો એવા છે કે જે કામ કરવા માટે યુપી અને બિહારથી આવે છે. અમે તેમના બાળકોને અભ્યાસ માટે પ્રેરિત કર્યા છે. તેમને તેમના માદરે વતન પાછા ફરતા ક્યારેય રોક્યા નથી. કેટલાક બાળકોને કચરો ભેગો કરવાની મંજૂરી અપાઈ કારણ કે તેમના માતા પિતા તેમને શાળાએ આવવા નથી દેતા. આ રીતે બાળકો ઓછામાં ઓછા શાળાએ આવી તો શકે છે.