મુંબઈ,તા.૮
ટીઆરપીની લાલચમાં તમામ હદો પાર કરીને અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહેલા વિવાદાસ્પદ ટીવી શો બિગ બોસ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ છે. સુપ્રીમ કોર્ટે આ પિટિશન સ્વીકારી લીધી છે. મતલબ કે તેના પર સુનાવણી થશે. આ પિટિશનમાં બિગ બોસ શોના હોસ્ટ સલમાનખાન પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. અખિલ ભારતીય ક્ષત્રિય યુવા મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં કહયું છે કે, આ કાર્યક્રમ એટલો અશ્લીલ છે કે, તેને પરિવારના સભ્યો એક સાથે બેસીને જોઈ શકે તેમ નથી. બિગ બોસના પ્રસારણ પર રોક લગાવવામાં આવે.
આ પિટિશન કરનાર મહાસભાના અધ્યક્ષ અભિષેક સોમનુ કહેવુ છે કે, આ શોમાં અનૈતિકતા અને અશ્લીલતાનો પ્રચાર પ્રસાર થઈ રહયો છે.ભારતીય સંસ્કારોની તેમાં ધજજીયા ઉડાવાઈ રહી છે.
વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ પણ બિગ બોસને બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી ચુક્યુ છે. તેમાં બિગ બોસ પર ગંભીર આરોપો લગાવાયા છે.