વાંધાજનક પોસ્ટ મામલે કોર્ટે યુવતીને ‘કુરાન શરીફ’ જમા કરાવવાની શરતે જામીન આપ્યા!

0
471

રાંચી,તા.૧૬
ઝારખંડની એક કોર્ટે સોશિયલ મીડિયા પર એક સમાજ વિરુદ્ઘ વાંધાજનક પોસ્ટ શેર કરવા મામલે એક યુવતીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે એ શરત સાથે જામીન આપ્યા છે કે તે મુસ્લિમોનાં ધાર્મિક પુસ્તક પવિત્ર ‘કુરાન શરીફ’ની નકલો લાઇબ્રેરી અને અંજુમન કમિટિને આપશે. અંજુમન કમિટિએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુનાવણી દરમિયાન ન્યાયિક મજિસ્ટ્રેટ મનીશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, યુવતી પોલીસની સાથે પાંચ કુરાન શરીફ લઇને અંજુમન કમિટિની પાસે જાય અને ત્યાં તેમને એક કુરાન આપે. ત્યારબાદ બાકીના કુરાન તે લાઇબ્રેરીમાં આપે. યુવતીના વકીલ રામપ્રવેશ સિંહે જણાવ્યું હતું કે, કોર્ટે આના માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. સાથે કુરાનની નકલો આપવામાં આવે તેના યોગ્ય પુરાવા કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.
પિઠૌરિયાની અંજુમન કમિટિના સચિવની ફરિયાદ પર ૧૨ જુલાઇના રોજ યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અનેક સંગઠનોએ યુવતીની ધરપકડનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે યુવતી સગીર છે.
જો કે પોલીસે જણાવ્યું હતું કે, તેની ઉંમર ૧૯ વર્ષ છે. તેણે કથિત રીતે ફેસબુક પર બીજા યુઝર દ્વારા કરાયેલી પોસ્ટને શેર કરી હતી. આ મામલે તેની વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૫૩એ, ૨૯૫એ હેઠળ કેસ દાખલ કરાયો હતો. ઝારખંડના ભાજપ પ્રવક્તા પ્રતુલ નાથ શાહદેવે જણાવ્યું હતું કે, મને મીડિયા મારફતે જાણ થઇ કે યુવતીને પાંચ કુરાન જમા કરાવવાની શરતે જામીન અપાઇ છે. જો કે મેં કયારેય આવો ચુકાદો કયાંય જોયો છે કે સાંભળ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here