લીડ્‌સ,તા.૭
શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે હેડિંગ્લી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની લીગ મેચમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના જોવા મળી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિમાનમાંથી ભારત વિરોધી કેટલાક બેનરો દર્શાવવા બદલ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (ICC)ને ફરિયાદ કરી છે. આ મામલે ભારતીય બોર્ડે ટીમના ખેલાડીઓની સુરક્ષાનો પણ સાવલ ઊભો કર્યો છે. ભારતીય બોર્ડે આ ઘટના બદલ ભારે નિરાશા વ્યક્ત કરી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીને હવે પછી આવી ઘટના ઘટે તો તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાશે તેવું લેખિતમાં જાણ કરી છે તેમજ શનિવારે ભારત-શ્રીલંકા મેચમાં વિમાનમાંથી દર્શાવાયેલા બેનરો બદલ ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો.
મેચ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ આકાશમાં એક વિમાન ઉડતું જોવા મળ્યું હતું જે ‘જસ્ટીસ ફોર કાશ્મીર’ એટલે કે કાશ્મીર માટે ન્યાય એવું બેનર દર્શાવતું હતું. રમતના અડધો કલાક બાદ ફરી વિમાન સ્ટેડિયમ ઉપર ઉડ્યું હતું અને તેમાં ‘ભારત કત્લેઆમ રોકે, કાશ્મીરને મુક્ત કરે’ તેવો સંદેશો બેનર વડે દર્શાવાયો હતો. જો કે ભારતીય ટીમની બેટિંગ વખતે ત્રીજી વખત પણ આ ઘટના બની હતી જેમાં વિમાન દ્વારા ‘મોબ લિન્ચિંગ અટકાવવામાં મદદ કરો’ તેવું બેનર દર્શાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here