અમદાવાદ,તા.૧૧
અલ્પસંખ્યક અધિકાર મંચ સમર્થિત લાલ દરવાજા પાથરણા સમિતિ દ્વારા એડવોકેટ શમશાદ પઠાણની આગેવાનીમાં કારંજ પોલીસ ઇન્સ્પેક્ટર અને DCP ઝોન-૨ ની મુલાકાત કરી એક હાથમાં રોટલી અને બીજા હાથમાં ગુલાબનો ફૂલ સાથે અનોખી રીતે આવેદન પત્ર આપીને ગરીબ પાથરણાવાળાઓને તેમની જગ્યા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે રોજગાર કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને DCP ઝોન-૨ દ્વારા પણ ગરીબ પરીવારોના રોજગારના મુદ્દે હકારાત્મક રીતે ઉકેલ લાવવા માટેની બાહેંધરી આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં લાલદરવાજા ખાતે લાલદરવાજા બસ સ્ટેન્ડથી જીલ્લા પંચાયત મુખ્ય ગેટ, અપના બજારથી પાલિકા બજાર, વીજળી ઘરથી ટેલીફોન ઓફીસ અને ભદ્ર કિલ્લાની પાછળ જીલ્લા પંચાયતની સામે આવેલ અંદાજે ૪૦૦ જેટલા પથારાવાળા છેલ્લા ૬૦ વર્ષોથી તેમનો રોજગાર કરી પોતાનું તેમજ તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ઉપરોક્ત તમામ વિસ્તારોમાં પાથરણા લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પથારાવાળાઓને પોલીસ દ્વારા છેલ્લા ૨ મહિનાથી તેમનો રોજગાર કરવા દેવામાં આવતો નથી. આ ૪૦૦ જેટલા ગરીબ પથારાવાળાઓના પરિવારોની પરિસ્થિતિ ખુબ જ દયનીય બની ગયેલ છે તેમજ તેઓ આર્થીક રીતે સંકડામણ પણ અનુભવી રહ્યા છે.
આ પાથરણાવાળાઓની સાથો સાથ આ રાજ્યના જવાબદાર નાગરિક અને સંગઠન તરીકે અલ્પસંખ્યક અધિકાર મંચે માંગણી કરી છે, કે સમગ્ર ગુજરાતના હિંદુ મુસ્લિમ પાથરણાવાળા તેમજ લારી ગલ્લા વાળાઓને સ્ટ્રીટવેન્ડર એક્ટની કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદેસરતા બક્ષવામાં આવે. અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, તમામ પથારાવાળાઓને ઉપરોક્ત જગ્યા ઉપર રોજગાર કરવા દેવામાં આવે. અને સ્ટ્રીટ વેન્ડર એક્ટની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. પોલીસ તંત્ર અથવા કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત તમામ પાથરણાવાળાઓને બિન જરૂરી હેરાનગતિ કરવામાં ન આવે અને તેઓને શાંતિ પૂર્વક ધંધો-રોજગાર કરવા દેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here