બનાસકાંઠા,તા.૯
દાંતા તાલુકાનાં કુંભારીયાની નદીફળીનાં વિદ્યાર્થીઓ જાણે ૧૮મી સદીમાં અભ્યાસ કરી રહ્યાં હોય તેવી પરિસ્તિથિમાં છે. એકતરફ સરકાર મોંઘાદાટ સ્માર્ટબોર્ડના શિક્ષણ આપવાનું ગૌરવ વ્યક્ત કરે છે ત્યારે આવા દ્રશ્ય વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યાં છે.
આ તસવીરમાં છે તે કોઇ તબેલો નથી. પણ આ છાપરામાં વનવાસી વિદ્યાર્થીઓ આ તબેલાં જેવાં છાપરામાં અભ્યાસ કરી રહ્યા છે. દાંતા તાલુકાના કુંભારીયા વિસ્તારની નદીફળી ગામની સરકારી પ્રાથમિક શાળા જ્યાં ધોરણ ૧ થી ૫ નાં ૮૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ને તેમાં પણ પાંચ વર્ગ એકસાથે છાપરા નીચે બેસાડી એકમાત્ર શિક્ષક દ્વારા ભારત દેશના ભવિષ્યને ઘડવામાં આવી રહયું છે.
ઘટાટોપ જંગલમાં જાનવરોની દહેશત વચ્ચે વાલીઓ બાળકોને શાળામાં મૂકવા આવે છે અને છૂટતી વખતે પરત લેવા પણ આવે છે. નવાઇની વાત તો એ છે કે આ શાળામાં નથી શૌચાલય કે નથી પીવાના પાણીની વ્યવસ્થા, નદીના એક વોકળામાંથી પાણીનું ડબ્બુ ભરી લાવી બાળકોને પાણી પીવડાવવામાં આવે છે. અને તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવું જોવા મળી રહયું છે. જોકે ચૂંટણીઓ આવતાં નેતાઓ આ વિસ્તારમાં ઠાલા વચનો આપી ભોળા આદિવાસી લોકોને છેતરી વોટ લઇ જાય છે.
આ વિસ્તારમાં ૭૦થી ૮૦ જેટલાં રહેણાંકો હોવા છતાં રસ્તાની પણ કોઇ જ સુવિધા નથી. જ્યાં કોઇ માણસ માંદો પડે કે પ્રસૂતા મહિલાઓ હોય તો તેમને એક લાંકડામાં ઝોળી બનાવી પાંચ કિલોમીટર સુધી ખભે નાખી આખું ગામ લઇ જતું હોય છે. સરકારની કરોડો રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજનાઓ હોવા છતાં આ વિસ્તારના આદિવાસી લોકો હજી પણ બદતર જિંદગી જીવી રહ્યાં છે. જ્યાં ૧૦૮ એમ્બ્યૂલન્સ વાન તો શું પણ રીક્ષા પણ જઇ શકે તેવાં રસ્તા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here