(હર્ષદ કામદાર), તા.૩૧
ગુજરાત સરકારના માહિતી ખાતામાં જાણે કે મન મરજીયા ચાલતું હોય તેમ કોઈ એક નીતિ ને બદલે જેને જે ફાવે તેવા નિર્ણયો લઈને માહિતી ખાતાની આબરૂ લિલામ કરવા બેઠા હોય તેમ અખબારો પ્રત્યે સાવ વિચિત્ર નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેમાં જે અખબારોના જાહેરાતના કરાર રીન્યુ કરવામાં આવ્યા તેવા અખબારોના તંત્રીઓના એક્રેડિટેશન કાર્ડ વગર કારણે અટકાવી દેવાયા અને જેમની જાહેરાતો બંધ કરવામાં આવી તેમને એક્રેડિટેશન કાર્ડ આપવામાં આવ્યા છે. અનેક અખબારોને ખબર નથી કે તેમની જાહેરાતોના કરાર કેમ અટકાવી દેવામાં આવ્યા છે. માહિતી ખાતાની છાપ જાણે કે ડાયરેક્ટર અને માનીતા નિયામકોની પ્રાઈવેટ કંપની તરીકેની ઉપસી રહી છે જે ચોથી જાગીર માટે ખતરે કી ઘંટી સમાન છે અને તેના પર જો સરકારની લગામ નહિ હોય તો જેમ અગાઉ ભૂલોની પરંપરા ચાલતી હતી અને આરએનઆઈ દ્વારા ગુજરાતના માહિતી ખાતાને કેટલાક અધિકારીઓને કારણે ભારે પેનલ્ટી ભરવી પડી અને માહિતીની આબરૂના ધજાગરા થયા તેમ અત્યારે પણ એવી જ ગરબડ ગોટાળાભરી પરિસ્તિથિ જોવા મળી રહી છે.
માહિતી ખાતાના સુત્રોના જણાવ્યાં પ્રમાણે, માહિતી વિભાગના કેટલાક અધિકારીઓ એ કહેવત ભૂલી ગયા કે સમજ્યા નથી કે કૂવામાં હોય તો હવાડામાં આવે. જે અખબારોની જાહેરાતોના કરાર રીન્યુ કરવામાં આવ્યા ત્યારે જે તે જીલ્લા કચેરી દ્વારા અભિપ્રાય કે રિપોર્ટ આપવામાં આવ્યો જ હશે કે જે તે અખબારનું કામકાજ નિયમિત છે. અને તેના આધારે જાહેરાતોના કરાર કરવામાં આવ્યા છે. પરંતુ એ કરાર થયેલા અખબારોના તંત્રીઓને મળવાપાત્ર એક્રેડિટેશન કાર્ડ અટકાવી દેવામાં આવ્યા છે! કેટલાક અધિકારીઓ એ ભૂલી ગયા કે કૂવામાં હતું તો હવાડામાં આવ્યું હશે ને? જાહેરાતોના કરાર રીન્યુ કરવામાં આવ્યા એટલે તેનો મતલબ એ થયો કે એ અખબાર, માહિતી ખાતાની ભાષામાં કહીએ તો નિયમિત છે. અને જે અખબાર નિયમિત છે તેમના તંત્રીઓના કાર્ડ ક્યા આધારે અટકાવી દેવામાં આવ્યાં એનો કોઈ ચોક્કસ ખુલાસો થવો જાઈએ.
સુત્રોએ કહયું કે એનાથી ઉલટું માહિતી ખાતામાં ઉલટા-પુલટાની જેમ એ થયું કે જે અખબારોની જાહેરાતો બંધ કરી દેવામાં આવી અર્થાત જે અખબાર નિયમિત નહોતા તેમના તંત્રીઓ અને પ્રતિનિધિઓને એક્રેડિટેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં છે! આ અખબારોના કિસ્સામાં માહિતી ખાતાને બરાબર ખબર પડી કે કુવામાં છે એટલે હવાડામાં પાણી આવ્યું.! જે વાસ્તવમાં છે જ નથી. કેમ કે જો એ અખબારો નિયમિત હોત તો એમની જાહેરાતો બંધ કેમ કરવામાં આવી? એમના તંત્રીઓને એક્રેડિટેશન કાર્ડ અપાયા તો તેનો અર્થ એવો થાય કે એ અખબાર નિયમિત છે અને જે અખબાર નિયમિત હોય તેમની જાહેરાતો કેમ બંધ કરવામાં આવી? ક્યાંક તો ખોટું થયું છે. યા તો જાહેરાતો બંધ કરવામાં અથવા તો એક્રેડિટેશન કાર્ડ આપવામાં! આવી ડબલ ઢોલકી સમાન કે બેવડી અને ત્રેવડી નીતિ માહિતી ખાતામાં કોના ઈશારે ચાલી રહી છે તેની તપાસ માહિતી ખાતાનો હવાલો સંભાળનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની તપાસ કરાવી જોઈએ . કેમ કે માહિતીના હાલના ડાયરેક્ટર અને તેમના કેટલાક ડેપ્યુટી ડીરેકટરોએ માહિતી ખાતાને પોતાની જાગીર અને પ્રાઈવેટ કંપની બનાવી દીધી હોવાના જે આરોપો થઇ રહ્યા છે તેની પણ તપાસ થાય તો અખબારો અને સરકારને પણ ખબર પડે કે આ પ્રાઈવેટ કંપનીમાં કોના કેટલા શેર છે અને કોની પાસે વધારે શેર છે! સરકાર પોતાના એક મહ્‌ત્વનાં ખાતામાં ચાલતી પ્રાઈવેટ કંપનીની ભાગીદારીનો પર્દાફાશ કરે તો ઘણું બધું બહાર આવે અને કેટલાયના વટાણા વેરાઈ જાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here